એક નાસ્તિક સંગીતકાર : એ. આર. રહેમાન

4
1569

“મારા જીવનમાં મારી પાસે જે કઈ છે એ પ્રેમ અને નફરત માંથી પસંદ કરાયેલા માર્ગનું છે. મેં પ્રેમ નો માર્ગ અપનાવ્યો અને આજે અહીં છું.”
અલ્લાહ-રખા રહેમાન 

 

કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનો તમામ આધાર તેના મન અને વિચારો પર આધારિત હોય છે. જો કોઈ પણ વ્યક્તિ મનથી વિચારી લે કે, મારે આ કાર્ય કરવું જ છે તો તેને સફળ બનતા કોઈ રોકી શકવાનું નથી. જીવનમાં સફળ થવા માટે સારા અને હકારાત્મક વિચાર કરવા ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિએ સફળ બનવું હોય તો તેને સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડે છે. એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે, અત્યાર સુધીનું તમારું જીવનસફર કેવું રહ્યું? ત્યારે તેમને કહ્યું કે, ‘ જીવનસફર સંઘર્ષમય રહ્યું અને તેનો જ મને આનંદ છે, જો બધું આસાનીથી મળી ગયું હોય તો એટલી જ આસાનીથી બધું જતું પણ રહ્યું હોત.’ આજે આપણે પણ એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ, જેમની જીવનયાત્રા પણ સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થયેલી છે, પરંતુ સતત પ્રયત્નો અને હકારાત્મક વિચાર સાથે તેમને જીવનમાં ખૂબ બધી નામના મેળવી છે.

image

એ. આર. રહેમાનનું નામ યાદ કરો એટલે ‘જય હો’, ‘ચલ છૈયાં છૈયાં’, ‘માં તુજે સલામ’ વગેરે જેવા અનેક ગીતો યાદ આવી જાય. રહેમાન અત્યારે સંગીતના ટોચ પર છે. રહેમાને ફિલ્મફેર અને ઓસ્કાર જેવા એવોર્ડ જીતીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે.

એ. આર. રહેમાન. એક એવા સંગીતકાર કે જે, મ્યુઝિક કમ્પોઝર નહિ , ગોડ ઓફ મ્યુઝિક કહેવાય. સુરતનો પ્રતિભાશાળી મ્યુઝિક કમ્પોઝર મેહુલ સુરતી ( કેવી રીતે જઈશ અને વિટામિન સી જેવી અર્બન ગુજરાતી ફિલ્મમાં સંગીત આપનાર ) એ. આર. રહેમાન વિશે એવું સ્ટેટમેન્ટ આપે છે : ‘ ભારતમાં આઝાદી પછી એક જ સંગીતકાર જન્મ્યો છે.  એ. આર. રહેમાન !’

પિતા આર. કે. શેખર મલયાલમ અને તમિલ ફિલ્મોમાં મ્યુઝિક કંડકટર અને એરેન્જર તરીકે કામ કરતા. તેમણે કેટલીક ફિલ્મો માટે સંગીત પણ આપ્યું. તેમનું સપનું દિલીપને મોટા સંગીતકાર બનાવવાનું હતું. જે ઉંમરે બાળકો રમકડાંથી રમતા હોય એ ઉંમરે તો દિલીપ હાર્મોનિયમ વગાડવા લાગ્યો. પિતા શેખર કામ પર જતા ત્યારે દિલીપ પણ તેમની સાથે જતો. એકવાર એવું બન્યું કે, કેરળના વિખ્યાત સંગીતકાર સુદર્શન માસ્ટરે જોયું કે માત્ર ચાર જ વર્ષના  બાળકની આંગળીઓ કેવી રીતે આટલી કુશળતાથી હાર્મોનિયમ પર નાચી  રહી  છે. ખૂબ જ નાની ઉંમરના બાળકને આ રીતે હાર્મોનિયમ વગાડતા જોઈ સુદર્શન માસ્ટરે દિલીપની કસોટી કરવાનું નક્કી કર્યું, એટલે એમણે હાર્મોનિયમની કીઝ ના દેખાય એટલે એમણે હાર્મોનિયમ પર કપડું ઢાંકી દીધું અને એક ધૂન વગાડી પછી સુદર્શન માસ્ટરે દિલીપને એ જ ધૂન વગાડવા માટે કહ્યું ત્યારે દિલીપે કીઝ જોયા વિના ફરીથી એ જ ધૂન વગાડી સંભળાવી. ત્યારે દિલીપથી પ્રભવિત થયેલા સુદર્શન માસ્ટરે તેને તાલીમ આપવા માટે કહ્યું અને દિલીપે માસ્ટર ધનરાજના માર્ગદર્શન હેઠળ સંગીતમાં પ્રારંભિક તાલીમ લેવાની શરૂઆત કરી.

દિલીપ સંગીત ક્ષેત્રે પોતાનું પગલું સફળતાપૂર્વક ભરી જ રહ્યો હતો કે ત્યાં અચાનક જ એવું બન્યું કે, પિતા આર. કે. શેખર પોતાની સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલી ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ એ ગુજરી ગયા. આજે પણ રહેમાન એમના પિતાની વાત કરવાનું ટાળે છે. દિલીપના પિતાના એકાએક મૃત્યુના કારણે ત્રણ બહેન અને માનો ભાર દિલીપ પર આવી પડ્યો! પિતાના એકાએક મૃત્યુના કારણે આખા ઘરની જવાબદારી દિલીપ પર આવી પડી અને ઘરની આર્થિક જવાબદારી સાંભળવાના કારણે દિલીપને ખૂબ જ નાની ઉંમરે પોતાનું ભણતર છોડવું પડ્યું.

પરંતુ! તમારા મનમાં હજુ એક પ્રશ્ન મુંજવતો હશે કે, એ. આર. રહેમાન એક નાસ્તિક સંગીતકાર! કયું? કૈસે? અને આ દિલીપ કઈ રીતે અલ્લાહ રખા રહેમાન બન્યો?

અકાળે થયેલા પિતાના મૃત્યુથી આખા ઘરની પરિસ્થિતી નબળી પડી ગયેલી, એટલે દિલીપ સંપૂર્ણ નાસ્તિક થઈ ગયેલો. ભગવાનમાં માનવાનું નહિ , એતો કહેતો કે ભગવાન તો છે જ ક્યાં! ભગવાન હોય તો આટલા દુઃખ કઈ રીતે આપે? પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતી ખરાબ હોવાથી દિલીપ ફિલ્મી સંગીતકારોના સંપર્કથી આસિસ્ટન્ટ તરીકે કામ કરતો અને દિલીપ તેના દોસ્તો શિવામની (નામ નથી સાંભળ્યું!) અને ભરત બાલા (વંદે માતરમ્  અને જન ગણ મન વાળા ) અને બીજા મિત્રો સાથે સ્થાનિક રોક બેન્ડ બનાવી ધમાલ કરતા.

દિલીપ ફરીથી સફળતાપૂર્વક સંગીતમાં પગલું ભરી જ રહ્યો હતો, ત્યાં જ એકાએક સમયે એવો વળાંક લીધો કે દિલીપની બહેન અચાનક બીમાર પડી ગઈ અને તેની બચવાની કોઈ જ આશા નહોતી. (ના દવા કામ આ રહી થી, નાહી દુઆ.) સ્વાભાવિકપણ, તેને બચાવવા માટે દરેક પ્રકારની પ્રાર્થના – અર્ચના  કરવામાં આવી અને તેને બચાવવા માટે ગમે તે જગ્યાએ આંખો મીંચીને દોડી જવાનું. પણ દિલીપને તો હંમેશા એક જ વિચાર આવે, ‘ભગવાન તો છે જ ક્યાં! અને જો ભગવાન હોય તો આટલા દુઃખ પણ ના જ હોય! ‘

અને અચાનક દિલીપના માતાની મુલાકાત થઈ પીર કાદરી નામના સૂફી સંત સાથે. ચેન્નાઈથી અંદાજે ચાલીસેક કિલોમીટર દૂર દરિયાકિનારે આવેલી હજરત સૈયદ મોહમ્મદ પીર કાદરીની દરગાહ પર દિલીપની બહેન માટે દુઆ કરવામાં આવી અને ચમત્કારિક રીતે દિલીપની બહેન સાજી થઈ ગઈ અને પછી આખા પરિવારે અપનાવ્યો ‘ઇસ્લામ ધર્મ ‘ અને આ રીતે દિલીપને મળ્યું એક નવું નામ ‘અલ્લાહ રખ્ખા રહેમાન’. આ જ દરગાહમાં એ. આર. રહેમાને દિલમાં ઉતરી જાય એવી અનેક ધૂનની રચનાઓ કરી અને જ્યારે પણ રહેમાનને કોઈ નવી ધૂનની રચના કરવી હોય તો એ પોતાનું હોર્મોનિયમ લઈને દરગાહમાં આવી જતો અને આખી રાત જાગીને તે નવી-નવી ધૂનની રચનાઓ કરતો.

રહેમાને, શરૂઆતમાં જાહેરાતો અને દસ્તાવેજી ફિલ્મો માટે અંદાજે 300 જેટલી જીંગલ્સ બનાવી અને તેની સાથે અન્ય પ્રોજેક્ટ માટે પણ કામ કર્યું. રહેમાને એરટેલ, એશિયન પેઇન્ટસ, બૂસ્ટ, ગાર્ડન સાડી, હીરો મોટોકોર્પ, જે. બી. એલ., લિઓ કૉફી , ટાઇટન, રેનોલ્ટ વગેરે જેવી જાહેરાતો માટે જીંગલ્સ બનાવી. એક એવોર્ડ ફંકશનમાં લિઓ કૉફી ની જાહેરાત માટે શ્રેષ્ઠ જીંગલ્સનો એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે રહેમાન મણિરત્નમની નજરે ચડી ગયા અને રહેમાનને 25,000 માં તમિલ દિર્ગદર્શક  મણિરત્નમની ‘રોજા’ માટે સ્કોર અને સાઉન્ડ ટ્રેક કંપોઝીશન કરવા માટે ઓફર આપવામાં આવી અને જે રહેમાને સ્વીકારી. રોજા ફિલ્મ માટે રહેમાનને શ્રેષ્ઠ સંગીત નિર્દેશક માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો. પ્રથમવાર ફિલ્મ કંપોઝ કરી રહેલા વ્યક્તિએ પુરસ્કાર મેળવ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. રોજાના સ્કોરનું ઊંચું વેચાણ થયું અને તેના કારણે તે સમયે ફિલ્મી સંગીતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું.

‘રોજા’ ની સફળતાનાં કારણે આજે રહેમાન સંગીતક્ષેત્રનો ‘રાજા’ બની ગયો.

એ. આર. રહેમાન નેમેસીસ એવેન્યુ નામનાં રોક બેન્ડમાં શિવામની અને સુરેશ પીટર સાથે જોડાયેલો રહ્યો. તેઓ પિયાનો, સિન્થેસાઇઝર, હાર્મોનિયમ અને ગિટાર વગાડતા હતા. મુખ્યત્વે સિન્થેસાઇઝર પ્રત્યેની તેમની જિજ્ઞાસામાં વધારો થયો, કેમકે તેઓ કહેતા, તે ‘સંગીત અને તકનીક વચ્ચેનું આદર્શ મિશ્રણ છે.’

રહેમાન મૂળ પોરબંદર વતનનાં સાયરા બાનુને પરણ્યા હોવાથી એ ગુજરાતના જમાઈ પણ છે. જ્યારે રહેમાન ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એમણે કહ્યું કે, મને ગુજરાતીઓ પ્રત્યે ખૂબ જ આદર છે.

image

રહેમાન માત્ર ભારતમાં જ નહીં , પરંતુ વિશ્વસ્તરે પણ એટલા જ પ્રસિદ્ધ છે. એન્ડ્રયુ લોઇડ વેબર જેવા વિશ્વવિખ્યાત સંગીતકારે તેના નવા મ્યુઝિક આલ્બમ ‘બોમ્બે ડ્રિમ્સ’ માટે રહેમાનને કંપોઝીશન સોપ્યું. રહેમાને  ‘એકમ સત્યમ’ ગીત બનાવ્યું ત્યારે રહેમાનના આ ગીતથી પોપનો રાજા કહેવાતો માઈકલ જેક્સન આ ગીતથી એટલો પ્રભાવિત થયો કે, એણે એના કોન્સર્ટમાં રહેમાનને પર્ફોર્મન્સ કરવા માટે બોલાવ્યો અને આ કોન્સર્ટમાં રહેમાન અને માઈકલ બંને એક સાથે ઝૂમી ઉઠ્યા.

રહેમાને તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજી જેવી ફિલ્મોમાં સંખ્યાબંધ સંગીત આપ્યું છે, તેમની બધી જ ધૂનો નવસર્જિત (ઓરીજનલ) હોય છે. આજે પણ તેમનું એક પણ ગીત જૂનું નથી થતું અને આજે પણ કોઈ પણ ગીત સાંભળો તો કંઈક અલગ જ ફીલ આવે. આજે પણ ‘રોજા’નું ‘યે હસી વાદિયા’ સાંભળો તો બર્ફિલા પહાડ પર ફરતા હોય એવું ફીલ થશે! રહેમાને સુભાષ ઘાઈ ની ‘તાલ’માં જાદુ સર્જી નાખે એવું સંગીત આપ્યું. ‘ઈસ્ક બિના’, ‘રમતા જોગી’ કે પછી ‘તાલ સે તાલ મિલા’ જેવા ગીતો ખૂબ જ કર્ણપ્રિય બન્યા હતા. આજે પણ લોકો તાલનું સંગીત યાદ કરે છે. રહેમાન ‘મંગલ પાંડે’માં તેના સંગીતથી હિન્દુ પરંપરા ઊભી કરી દે તો ‘જોધા અકબર’માં ઇસ્લામિક પરંપરા પણ! રહેમાન માત્ર સંગીત પર જ નહિ, પરંતુ ફિલ્મના વિષય પર પણ એટલું જ ધ્યાન રાખીને સંગીત આપે છે. તેમજ તેમના સંગીતમાં રીધમને સ્વર કરતા વધુ મહત્વ અપાય છે. એટલે જ તો આ સંગીતના રાજા ને ટાઈમ મેગેઝીન દ્વારા ‘મોઝાર્ટ ઓફ મદ્રાસ’નું યોગ્ય બિરુદ આપવામાં આવ્યું છે.

ભારતની સ્વતંત્રતાના 50 વર્ષની ઉજવણી માટે રહેમાને ‘માં તુજે સલામ’ અને ‘વંદે માતરમ્’ જેવા ગીતોનું નવી પેઢી માટે નિર્માણ કર્યું. જ્યારે ‘માં તુજે સલામ’ ગાયું ત્યારે કેટલાક પક્ષો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને તેને ધમકીઓ આપવામાં આવી. પણ રહેમાન સ્થિતપ્રજ્ઞ જ રહે છે, એ કામ પર વધુ આધાર રાખે છે.

રહેમાનને ડેની બોયલની ‘સ્લમડોગ મિલિયોનર’ અને ‘127 અવર્સ ‘ માટે ઓસ્કાર પણ મળ્યો છે. રહેમાન 126 એવોર્ડથી સન્માનિત થયા છે, જેમાં 15 ફિલ્મફેર, 11 આઈફા અને બીજા પણ કેટલાય.(ઇન્ટરનેટ પર સર્ચ કરી લેજો) રહેમાનને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

આજે પણ રહેમાનનું સંગીત ટોચ પર જ છે, એટલે જ તો ‘મોહેંજો દરો’ હોય કે પછી સચીનના જીવન પર આધારિત ‘સચીન : અ બીલીઓન ડ્રિમ્સ’ જેવી આવનારી ફિલ્મો માટે પણ રહેમાનના સંગીતની પસંદગી પ્રથમ કરવામાં આવે છે. રહેમાન પર તો જેટલું લખીએ એટલું ઓછું જ પડે. રહેમાનનું સંગીત નશામય અને અદ્દભુત હોય છે એ જોતા જ એવું લાગે છે કે, કુદરત સાથે એમનું ડાયરેક્ટ કનેક્શન છે!

શબ્દોત્સવ :

ભગવાન કે ભરોશે મત બેઠીયે, ક્યાં પતા ભગવાન હમારે ભરોસે બેઠા હો. (માંઝી – ધ માઉન્ટેન મેન ફિલ્મનો સંવાદ)

( Inspire from Jay(ho) Vasavada )

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here