અવિશ્વશનીય, પરંતુ સત્ય !

2
1278
Baba Harbhajansingh
Baba Harbhajansingh

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
ગીતામાં તો ક્યાંય કૃષ્ણની સહી નથી …

શ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ – અલગ મંતવ્યો હોય છે. આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. આજે આપણે પણ એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત કરવાના છીએ, એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમનું શરીર નથી પરંતુ તે આત્મા છે, જેમને લોકો બાબા હરભજનસિંહ તરીકે ઓળખે છે, તેમનું ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

બાબા હરભજનસિંહનો જન્મ ૩૦, ઑગસ્ટ ૧૯૪૬નાં રોજ વર્તમાન પાકિસ્તાનનાં ગુજરાવાલા જિલ્લાના સદરાના ગામમાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં જ પૂર્ણ કર્યું, ત્યારપછી તેમને માર્ચ, ૧૯૫૫માં D.A.V. હાઈસ્કૂલમાંથી મેટ્રીક પાસ કર્યું. ત્યારબાદ, જૂન ૧૯૬૬માં, તે લશ્કરી સિપાહી તરીકે જોડાયા. પરંતુ માત્ર ૨ વર્ષ નોકરી કર્યા બાદ ૧૯૬૮માં એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું.
તેઓ ખચ્ચર લઈને પાણીની નહેર પાર કરી રહ્યા હતા, ત્યાં જ એકાએક ખચ્ચરનો પગ લપસી જતા નહેરમાં પડવાથી તેમનું મૃત્યું થયું. નહેરમાં  પાણીનું વહેણ વધુ હોવાના કારણે તેઓ  પાણીના વહેણમાં તણાઈ ગયા. ત્રણથી ચાર દિવસ સુધી તેમના દેહની શોધ કરવામાં આવી, પરંતુ દેહ ના મળ્યો. ત્યારબાદ, રાત્રે તેઓ તેમના મિત્રના સ્વપ્નમાં આવ્યા અને તેમણે પોતાનું પાર્થિવ શરીર ક્યાં છે, તે અંગેની માહિતી આપી. ત્યારપછી, બીજા જ દિવસે સવારે તેમના મિત્રો તેમને શોધવા ગયા અને સ્વપ્નમાં જે જગ્યા બતાવી હતી ત્યાંથી જ તેમનું પાર્થિવ શરીર અને તેમની રાઇફલ પણ મળી આવી. ત્યારબાદ, સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, અને પછી તેમના મિત્રનાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે, ‘મારુ શરીર ભલે નથી, પરંતુ મારી આત્મા ડ્યુટી કરશે!’ ,પરંતુ સ્વપ્નની આવી બધી વાતો કરતા, અન્ય મિત્રો કહેતા કે, આતો બધો તારા મનનો વહેમ છે અને કોઈએ આ બધી વાતો પર વધુ ધ્યાન ના આપ્યું. પરંતુ ત્યારપછી, એવી ઘટના બનવા લાગી કે કોઈને વિશ્વાસ જ ના થાય. કોઈ પણ સૈનિક સાથે ખરાબ ઘટના થવાની હોય તો બાબા પહેલેથી જ તેમને સંકેત આપી દેતા. સેનાના દરેક જવાનને હંમેશા એવો અહેસાસ થતો કે, બાબા આપણી સાથે જ ડ્યુટી પર છે. ધીમે ધીમે આ બધી વાતો ઉચ્ચ અધિકારીઓને ખબર પડી અને આ બધી વાતો સાંભળી તે હેરાન થઇ ગયા. ચીનના જવાનોએ પણ કહ્યું કે, ઘોડા પર સફેદ કપડાં પહેરીને તમારો સૈનિક અહીં આવે છે, તેને તમે પાછો બોલાવી લો. આ બાબત પર ચીનના સૈનિકોએ ભારતના અધિકારીઓને પત્ર પણ લખ્યો હતો જે બાબત પર બાબા હરભજનસિંહે આપણા અધિકારીઓને પહેલેથી જ જાણ કરી હતી. ત્યારબાદ, ચીનના જવાનોએ પણ આ ઘટનાને સત્ય માની લીધી.

આ ઘટના બાદ હરભજનસિંહ આપણા જવાનો માટે બાબા હરભજનસિંહ બની ગયા અને તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિરમાં બાબાના કપડાં, જૂતાં, સુવા માટે પલંગ અને અન્ય જરૂરી સામાન રાખવામાં આવ્યો છે. તેમને એક કર્તવ્ય સૈનિક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે નીતિ – નિયમો અન્ય જવાનો માટે હોય તે તેમના પર પણ લાગુ કરવામાં આવ્યા, તેમને પગાર પણ આપવામાં આવતો અને રજાઓથી લઈને પ્રમોશન પણ! તેમના મંદિરની દેખરેખ રાખવાની જવાબદારી સૈનિકોએ લીધી. તેમને સવારના નાસ્તાથી લઈને રાતનું ભોજન પણ આપવામાં આવતું. રાત્રીના સમય દરમિયાન મંદિર બંધ કરવામાં આવતું કારણ કે, તે સમય દરમિયાન બાબા પોતાની ડ્યુટી પર જતા. બાબાના રૂમની અંદર રોજ પલંગ પર ચાદર પાથરવામાં આવતી, તેમના જૂતાં પણ  રોજ સાફ કરવામાં આવતા અને તેમના પીવા માટે પાણી પણ મુકવામાં આવતું. પરંતુ જયારે બીજા દિવસે સવારે કોઈ જવાન બાબાના રૂમમાં પ્રવેશ કરીને જોવે તો જાણે કોઈ પલંગ પરથી સૂઈને ઉઠ્યા હોય તેવી રીતે ચાદરમાં કરચલીઓ પડી જતી અને જૂતાં પણ કાદવ અને કીચડથી ખરડાઈ જતા અને માથાનાં વાળથી ઓશીકું પણ ખરાબ થઇ જતું.

બાબા હરભજનસિંહના મૃત્યુબાદ તેમને પગાર આપવામાં આવતો હોવાથી, એકવાર એક NGO એ કહ્યું કે, તેમને પગાર આપવાનું બંધ કરો કારણકે, આવી બધી વાતોના કારણે અંધશ્રદ્ધામાં વધારો થઇ રહ્યો છે. આવું કહ્યું ત્યારે, સૈનિકોએ કહ્યું કે અમારા બધાના પગારમાંથી થોડો હિસ્સો લઇ અમે બાબાને આપીશું. બાબાનું પ્રમોશન પણ આર્મીના નિયમો અનુસાર જ કરવામાં આવતું. બાબા સેનામાં સિપાહી તરીકે જોડાયા હતા પરંતુ પ્રમોશન મળવાથી તેઓ કેપ્ટ્નના પદ પરથી રિટાયર્ડ થયા. સેનાના નિયમ મુજબ બાબા ૨૦૦૫માં રિટાયર્ડ થવા જોઈએ પરંતુ કામ પ્રત્યે તેમની પ્રામાણિકતા જોઈને તેમને ૧ વર્ષ બાદ રિટાયર્ડ કરવામાં આવ્યા, જે પણ સેનાના નિયમ મુજબ જ છે, જેથી તેઓ ૨૦૦૫ના બદલે ૨૦૦૬માં રિટાયર્ડ થયા. તેમના રિટાયર્ડ થયા બાદ તેમની માતા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમને પણ પેન્શન આપવામાં આવ્યું.

બાબા હરભજનસિંહને  ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ નવેમ્બર એમ ૨ મહિના માટે રજા આપવામાં આવતી. આ સમય દરમિયાન બીજા જવાનો બાબાને મુકવા રેલવે – સ્ટેશન જતા, આ માટે ટ્રેનની ટિકટ પણ લેવામાં આવતી અને તેના પહેલા રિઝર્વેશન પણ કરાવવામાં આવતું. જયારે બાબા પોતાના ગામ કૂકા (કપૂરથલા જિલ્લો) જતા ત્યારે જાણે ગામમાં તહેવાર હોય એવો માહોલ જામી જતો અને આખું ગામ બાબાનો જય જયકાર બોલાવતા. તેમની માતા કહેતી કે, જયારે બાબા ઘરે આવવાના હોય ત્યારે આખું સ્ટેશન ગામના લોકોથી ભરાઈ જતું અને  બાબાના આવતાની સાથે જ આખું ઘર જાણે ગુરુદ્વારા બની જતું પરંતુ જયારે તે જતા રહે છે ત્યારે આખા ઘરમાં ઉદાસી છવાઈ જતી. બાબા જયારે ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી રજાઓ પર હોય ત્યારે બોર્ડર પર બધા જવાનોને હાઈ  એલર્ટ આપી દેવામાં આવતી કારણકે આ સમયગાળા દરમિયાન બાબા પોતાના ગામમાં રજાઓ માટે જતા. આ ૨૦૦૬ સુધી ચાલ્યું અને પછી બાબા રિટાયર્ડ થઇ ગયા. પરંતુ આ એક અવિશ્વનીય સત્ય છે કે, બાબા આજે પણ સરહદની રક્ષા કરે છે. બાબાનું ગામ પણ આજે બાબાના નામથી જ ઓળખાય છે. કૂકા ગામમાં બાબાના ભાગની જમીન પર પોતાના ભાઈએ બાબાનું મંદિર બનાવ્યું છે અને તેમાં બાબાનો સામાન પણ રાખવામાં આવ્યો છે. બાબા રિટાયર્ડ થયા પછી પોતાના ગામમાં પાછા આવી ગયા છે, પરંતુ આજે પણ બાબા ભારત – ચીન બોર્ડર પર પોતાની સેવા આપી રહ્યા છે.

ભારત – ચીન સીમા પર આવેલી નાથુલા બૉર્ડર પર તાપમાન હંમેશા માટે શુન્યથી  નીચું જ રહેતું! બર્ફીલા પહાડ પર ગમે ત્યારે પગ લપસે એટલે ગમે ત્યારે શ્વાસ બંધ થઇ જાય. પરંતુ આવી જગ્યા પર આપણા જવાનો કોઈ પણ ચિંતા કર્યા વગર રક્ષા કરતા હોય તો બાબા હરભજનસિંહની આ અદ્દભુત આસ્થાને કારણે જ!

આવા અનેક અદ્દભુત ચમત્કારોને કારણે આપણા સૈનિકોની સાથે સાથે આપણા જેવા અનેક લોકો પણ અતૂટ વિશ્વાસથી બાબા હરભજનસિંહ પર શ્રદ્ધા રાખવા લાગ્યા અને તેમના મંદિરે આવવા લાગ્યા. બાબામાં લોકોની શ્રદ્ધાનો વધારો થતા સેનાના જવાનોએ મંદિરને મોટું કરવાનો વિચાર કર્યો અને બધા જવાનોની મદદથી ભવ્ય અને વિશાળ મંદિરનું નિર્માણ કર્યું. આ બધી ઘટનાઓને જોઈને ચીનના સૈનિકો પણ આશ્રર્યચકિત થઇ જતા. ભારત અને ચીન દ્વારા જે પણ ફ્લેગ મિંટિંગ રાખવામાં આવતી તેમાં પણ એક ખુરશી બાબા હરભજનસિંહ માટે અચૂક ખાલી રાખવામાં આવતી, જેથી બાબા તે મિટિંગમાં હાજરી આપી શકે.

બાબા હરભજનસિંહનું મંદિર સિક્કિમના પાટનગર ગંગટોકથી માત્ર ૫૬ કિલોમીટર દૂર અને લગભગ ૧૪,૫૦૦ ફુટની (૪૪૨૦ મીટર ) ઊંચાઈ પર આવેલું છે. મંદિરની અંદર બાબાનો ફોટો અને જરૂરી સાધન – સામગ્રી રાખવામાં આવેલી છે. મંદિરની અંદર નકલ (લખવા માટે) રાખવામાં આવી છે, જેના પર લોકો પોતાની માનતાઓ અને ઈચ્છાઓ લખે છે. એવું માનવામાં આવે છે કે, જયારે બાબા ડ્યુટી પુરી કરીને પાછા આવે છે ત્યારે તેઓ તે નકલોને વાંચે છે અને તેમાં લખેલી માનતાઓે અને ઈચ્છાઓનેે પૂર્ણ પણ કરે છે.

બાબા પાસે શ્રદ્ધાથી માનતા રાખવામાં આવે તો તેઓ તે માનતાને પૂર્ણ પણ કરે છે. લોકો મંદિરમાં માનતાની સાથે સાથે પાણીની બોટલ પણ ચડાવે છે, જેની પાછળ એવી માન્યતા છે કે, કોઈ પણ વ્યક્તિ શારીરિક બીમાર હોય તો તે વ્યક્તિ પાણીની બોટલ ત્રણ દિવસ સુધી બાબાને ચડાવે અને પછી તે બોટલના પાણીને ૨૧ દિવસ સુધી થોડું થોડું પીવે તો તેની બીમારી દૂર થઇ જાય છે. આ માન્યતાને લીધે બાબાના મંદિરમાં પાણીની બોટલના ઢગલા જોવા મળે છે. આ મંદિર જવાનો માટે શક્તિનું કેન્દ્ર બની ગયું છે. આજે પણ કોઈ જવાન ડ્યુટી પર આવે તો તે સૌથી પહેલા આ મંદિરમાં જઈને પોતાનું માથું ઝુકાવે છે અને પોતાની રક્ષા માટે બાબા પાસે માંગણી કરે છે.

આ બધી વાત ભલે તમને થોડી કાલ્પનિક અને વિચિત્ર લાગતી હોય, પરંતુ સત્ય છે. ભારતીય સેના ઉપરાંત આપણા જેવા લોકો પણ તેમનામાં પુરા વિશ્વાસથી શ્રદ્ધા રાખે છે. તેમનું ભવ્ય અને વિશાળ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. મંદિરમાં સવાર – સાંજ આરતી પણ કરવામાં આવે છે. આ બધી વાતો પર વિશ્વાસ ના થતો હોય તો ઇન્ટરનેટ પર ચેક કરી લેજો, તમને ખબર પડી જશે. તમે વેકેશન દરમિયાન ગરમીથી મુક્ત થવા માટે દાર્જિલિંગ ગયા હોય તો ત્યાંથી, આ મંદિર અંદાજે ૧૫૦ કિલોમીટરના અંતરે જ આવેલું છે એટલે ત્યાં પણ જતું જ આવવું.

– વંદે  માતરમ્
– ભારત માતાકી જય

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here