મોરબી અને તેના પાણી ની ખુમારી

11
4430
મોરબી અને તેના પાણી ની ખુમારી । Morbi Flood 1979
મોરબી અને તેના પાણી ની ખુમારી । Morbi Flood 1979

 

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય
આગળ રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ

એ… કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ
હે તારી ઈંઢોણીના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ

એ… કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ
હે તારા અંબોડાના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ

એ… કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ
હે તારી પાનિયુંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે પાનિયુંમાં તારું માથું થાય ડૂલ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

 

ઉપરોક્ત, લોકગીત ખુબ જ કર્ણપ્રિય છે. આખું ગીત એકવાર વાંચજો, અને વાંચવાની ઈચ્છા ના હોય તો આર્ટિકલના અંતે 10 મિનિટનો વિડિઓ જોઈ લેજો.

ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટને ‘મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય…’ લોકગીત પુસ્તકની શરૂઆતમાં મૂક્યું છે. વાણિયણ પાણી ભરવા મચ્છુ નદીએ ગઈ છે ત્યાં જિવાજી ઠાકોર ઘોડે ચડીને આવે છે. સ્ત્રીને જોઈને ઠાકોરને ખરાબ વૃતિ જાગે છે. વાણિયણ એમને વારવા મથે છે, પણ ઠાકોર એને ઉપાડી જવા કૃતનિશ્ચય છે. અંતે વાણિયણ મચ્છુને વહાલી કરે છે અને શાપ આપતી જાય છે કે તારૂં  શહેર જ ડૂબી જશે.
લેખકો કહે છે કે આ શાપ પેઢીઓ સુધી ફળ્યો નહીં અને જાડેજા વંશનું ત્યાં રાજ ચાલતું રહ્યું. મોરબી શહેર પણ ફૂલતુંફાલતું રહ્યું અને એનાં સુંદર શિલ્પોને કારણે સૌરાષ્ટ્રનું પેરિસ બની રહ્યું. લોકો આ શાપને કદી યાદ ન કરત, પરંતુ નોકરશાહીએ જાણે કમર કસી લીધી હતી કે લોકો ભૂતકાળની ઘટનામાં અંકિત થયેલા, પરંતુ કદી ન ફળેલા શાપને સ્મૃતિઓના ભંડકિયામાંથી બહાર લાવે અને કહે કે શાપ સાચો પડ્યો.

આમ શરૂ થાય છે મોરબીની ગોઝારી હોનારતની કથા

 

machhu
Photograph courtesy of Gunvantbhai Sedani.
machhu2
Photograph courtesy of Gunvantbhai Sedani.
machhu3
Photograph courtesy of Gunvantbhai Sedani.

 

આજથી બરાબર 37 વર્ષ પહેલા 11 ઓગષ્ટ,1979ના રોજ ગુજરાતના ઈતિહાસની સૌથી  મોટી એક હોનારત સર્જાઈ હતી. આ જ દિવસે મોરબીના ઉપરવાસમાં બંધાયેલો મચ્છુ-2 ડેમ તુટી પડયો હતો. જેણે મોરબીને તબાહ કરી નાંખ્યુ હતુ. ડેમ પાછળના જળાશયમાંથી નીકળીને રાજકોટ જિલ્લાના મોરબી શહેર પર ફરી વળેલા પાણીએ એક જ ક્ષણમાં સમગ્ર માનવજીવન તહસ-નહસ કરી નાખ્યું. વિવિધ અંદાજ અનુસાર આ દુર્ઘટનામાં અંદાજે 25000 લોકોના મૃત્યુ થયા હતા. આ  આંકડો આજે પણ ચોક્કસ નથી.
અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ચાર કિલોમીટર લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની (વધારાનું પાણી વહેડાવવાની નીક) ક્ષમતા 5,663 મી³/સે (Cubic metre per second) હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે 16,309 મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. 20 મિનિટમાં જ 12 થી 30 ફીટ ઊંચાઈના પાણી મોરબીના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે શહેર બંધથી 5 કિમી દૂર હતું. બંધનું ફરીથી બાંધકામ કરવામાં આવ્યું ત્યારે તેની ક્ષમતા ચાર ગણી વધારીને 21,000 મી³/સે કરવામાં આવી.
મચ્છુ ડેમ તૂટી જવાની દુર્ઘટના વિશ્વની ભયકંર તબાહીઓ પૈકીની એક છે. આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દૂર્ઘટના તરીકે નોંધવામાં આવી છે.

મચ્છુ ડેમ તૂટી જવાની દુર્ઘટના પર બહુ ઓછું લખાયું છે. લાંબા સમયગાળા બાદ આ દુર્ઘટના પર  ‘હાવર્ડ યુનિવર્સીટી’ના ગુજરાતી મૂળના ઉત્પલ સાંડેસરા અને અમેરિકન મૂળના તેમના મિત્ર ટોમ વુટને 6 વર્ષની મહેનત સાથે  કરેલા ઉંડાણપૂર્વકના સંશોધન દ્વારા તેમના પુસ્તક ‘નો વન હેડ એ ટંગ ટુ સ્પીક’માં  અનેક ચોંકાવનારા તથ્યો તેમને રજુ કર્યા છે, આ પુસ્તક અમેરિકન સરકારના અનુદાનથી તૈયાર થયું છે.

ટોમ અને ઉત્પલે એક વાતચીતમાં જણાવ્યુ હતું કે મોરબીના મહારાજાએ ૧૯૨૮માં ડેમ બાંધવાની વિચારણા કરી હતી. તે સમયના જાણીતા હાઈડ્રો એન્જીનીયર વિશ્વૈશ્વરૈયાએ મહારાજાને ચેતવ્યા હતા કે સૂચીત જગ્યાએ બંધાનારો ડેમ મોરબી માટે આશીર્વાદરૂપ નહી બલ્કે મોરબીના વિનાશ માટે તકાયેલી તોપ પુરવાર થઈ શકે છે. તેમણે આપેલી સલાહ બાદ મહારાજાએ આ યોજના પડતી મુકી હતી. આઝાદ ગુજરાત સરકારે જ્યારે આ ડેમ બાંધવાનુ નક્કી કર્યુ ત્યારે વર્ષો પહેલાની ચેતવણી તો ભુલાઈ જ ગઈ હતી પરંતુ કેન્દ્ર સરકારે સૂચવેલી કેટલીક ટેકનીકલ બાબતોને પણ અવગણવામાં આવી હતી.

જેમકે, કેન્દ્ર સરકારે ડેમનુ સૂચિત સ્થળ બદલવાનુ કહ્યુ હતુ. બીજી તરફ પૂર આવે તો ડેમમાં કેટલુ પાણી ભરાય અને મહત્તમ કેટલુ પાણી છોડી શકાય તેની ગણતરી પણ યોગ્ય રીતે થઈ ન હતી. ગણતરી માટે નવી ટેકનીકલ પધ્ધતિ અપનાવવાના કેન્દ્ર સરકારના સૂચનોની અવગણના થઈ હતી.
આ પુસ્તકનો સાર વર્ણવતા ટોમ અને ઉત્પલ કહે છે કે હોનારત પછીની રાહત કામગીરીમાં ત્યારની બાબુભાઇની સરકારે અદભૂત ભૂમિકા ભજવી હતી. પરંતુ જો પહેલાંથી પૂરતા પગલાં લેવાયા હતો તો હજ્જારો જિંદગી બચી શકી હોત.
બંને વિદ્યાર્થીઓ કહે છે કે મોરબીની જાહોજલાલી, જળપ્રલય અને અન્યાય આ સંશોધનમાં જોવા મળે છે.

  • હોનારતનું મૂળ કારણ કુદરતી પ્રકોપ નહીં બલ્કે ઇજનેરોની તદ્દન ખોટી ગણતરી હતી.
  •   લોકોને સમયસર ચેતવણી પણ અપાઇ ન હતી.
  • ૧૮ માસ સુધી અધિકારીઓ પોતાના બચાવ માટેના પૂરાવા શોધતા હતા પરંતુ જેવી લાપરવાહી ખૂલવાની શરૃઆત થતાં જ તપાસપંચને આટોપી લેવાયું.
  • ઇજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહત્તમ શક્ય આવકની ગણતરી કરવા માટે જૂની પધ્ધતિનો ઉપયોગ કર્યો. પાણી છોડવાની ક્ષમતા કરતાં આવક બમણી થઇ ગઇ હતી.
  • પૂરથી બચવા ઝાડને વળગેલી માતાએ બાળકોને છોડી દેવા પડયા હતા, વજેપરનું રામમંદિર ડૂબ્યું તેમાં સૌથી વધુ માણસો ભોગ બન્યા હતા.
  • એક કેદીએ જીવના જોખમે ૨૦ વ્યક્તિનો જાન બચાવ્યો હતો.
  • તત્કાલીન કલેકટરે રાહતકામમાં સારી પ્રશંસા મેળવેલી પરંતુ નેતાઓની ટીકા કરતા તેની કારકિર્દીને હાની પહોંચેલી.

અમેરિકી લેખક ટોમ વુટન અને ગુજરાતી મૂળના ઉત્પલ સાંડેસરાએ લખેલા અંગ્રેજી પુસ્તકનો નિરંજન સાંડેસરાએ ‘ઝાલો રે મચ્છુનો પડકાર’ નામે અનુવાદ કર્યો છે. પુસ્તકના 339 પાના અને 60 તસવીરો મોરબીવાસીઓ અને ગુજરાતના બહોળા વાચક વર્ગને ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાનો ચિતાર રજૂ કરે છે. ઉલ્લેખનીય છે કે પુત્ર અમેરિકન સાથે મળી લખેલા પુસ્તકનો પિતાએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.

ઝાલો રે મચ્છુનો પડકાર પુસ્તકમાં જળ હોનારતની કરૂણ ગાથા નવલકથાના રૂપમાં દર્શાવવામાં આવી છે. જેમાં ભારતની જળ યોજનાઓ પ્રત્યેના ઉમંગમાં દુર્ઘટનાના બીજ રોપાયા છે. તોતિંગ પાળા અને સરોવર આકાર લે છે પણ જળ વિકાસની ધમાલમાં કેટલાક કુદરતી પરિણામોને અવગણવામાં આવ્યા છે. ત્યારે મુશળધાર વરસાદ પણ મચ્છુ-2 ડેમ તુટે છે ત્યારે કેવો પ્રલય સર્જાય છે તેની ગાથા વર્ણવવામાં આવી છે. તેમજ જળ હોનારતના ચિત્રો વાચકોના રુંવાડા ઉભા કરી દે તેમ છે.

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here