હાસ્ય-વ્યંગ

પપ્પા અને સોશિયલ મીડિયા !

આપણામાં ઉંમર ઉપર બે વાતો કહેવાય છે. એક “૧૬ એ સાન આવે” અને બીજુ ” સાઠે બુધ્ધિ નાઠે”. આ બંને વચ્ચેનો ટાઈમ એટલે માણસની ચાલીસી ! સંસ્થાનુ એવુ માનવુ છે કે બાળક જ્યારે ચાલીસ વરસનુ થાય એટલે એની બુધ્ધિ ધીમે ધીમે જવાનુ શરુ કરી દે છે , અને ૬૦ થતા થતા બધી પતી જાય છે ! ભારતના મોટાભાગના પુરુષોની સેકન્ડ ઈનિંગ ૪૦ વર્ષની આધેડ ઉંમરમાં શરુ થાય છે અને આ બીજી ઇનિંગમાં એમને નિતનવા અખતરા કરવાનુ સુઝે છે. આ અખતરાઓ માંનો સૌથી કોમન અખતરો એટલે “સોશિયલ મીડિયા” !!

જેમ મા વિના સૂનો સંસાર એમજ સોશિયલ મીડિયા વિના સૂનો સ્માર્ટ ફોન ! અને એક ચાલીસ વર્ષ ના પુરુષ નો સ્માર્ટ ફોન એટલે ,
– કંપની ની રાખેલી રિંગટોન મુકેલી હોય
– બ્રાઈટનેસ યામીગૌતમ જેટલી હોય
– બ્લુટુથ ખબર નઈ એમ જ ચાલુ હોય
– અને સ્ક્રીનમાં ક્યાંક ને ક્યાંક ક્રેક તો પડેલી જ હોય !

હા તો દુનિયાના દરેક મનુષ્ય ની જેમ ભારતીય પુરુષ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ બનવાની શરૂઆત Facebook થી જ કરે છે અને દરેક ૪૦ વર્ષના વ્યક્તિ નુ જો ફેસબૂક એકાઉન્ટ હોય તો એના પ્રોફાઇલ પિક્ચર માં એમના ફક્ત મોઢાનો, લો એન્ગલથી પરાણે પાડેલો કે ભૂલથી પડેલો ફોટો હોવાની સંભાવના ૯૦% સુધીની હોય છે. અને દરેક આધેડ પુરુષ એના ફેસબુક એકાઉન્ટ ની શરૂઆત પોતપોતાના કુળદીપકો ના મિત્રોને “એડ” કરવાથી કરે છે! અને (બદ)નસીબજોગે મારા પપ્પાની ઉંમર ૪૦ વર્ષ વટી ચુકી છે.

 

તો…
હા, એ સિવાય આ આ.પુ. ને કદી એમના ફેસબુકનો પાસવર્ડ યાદ નથી જ રહેતો! અને એમની ફેસબુક ફીડમાં અમુક ફિક્સ વાર્તાઓ જ હોય છે. જેમાં એકાદ બે ગુજરાતી પેજ : જે હડપ્પન સંસ્કૃતિ વખતે પણ જુના થયેલા જોક્સો ને ફોટા માં ફ્રેમ કરીને ચડાવતા હોય છે. પછી એકાદ બે ન્યૂઝ ચેનલો જેમાં હંમેશા કોઇક ના ને કોઈક ના ટપકી જવાની જ ખબરો આવતી હોય અને એક પોલિટિકલ ( BJP ) નુ પેજ જેમાં ૩૦૦ શબ્દો ની પોસ્ટ માં ૧૫૦ વખત “સાહેબ” નુ નામ લખેલું હોય છે !

આ બધા તો એમના પર્સનલ ચસ્કા થયા જે સોસાયટી માટે હાનિકારક નથી, તફલીક ત્યાં થાય છે જ્યારે આ લોકોને લાગે છે કે કોમેન્ટ માં કંઇક લખવાથી સીધો “ફક્ત” એ માણસને મેસેજ જાય છે. જ્યારથી પપ્પા ફેસબુક પર આવ્યા છે ત્યારથી મારા ફોટા પર લાઈક ૩ હોય છે અને કોમેન્ટ માં અમારુ “મિની ફેમિલી વોટ્સએપ ગ્રુપ” જેવુ વાતાવરણ બની જાય છે

અને આ વોટ્સએપ. સૌથી સરળ સોશિયલ મીડિયા એપ. મેસેજ આવે ને મેસેજ જાય. પણ ના ! આધેડ ઉંમરના મિત્રો ને ચસ્કા તો ખરા , એટલે આ પુરુષો એક વોટ્સએપ ગ્રુપ માં એડ થશે, જેનુ નામ હશે “પરિવાર” કે એના જ એકાદ સમાનાર્થી શબ્દોમાંનું એક. ભારત ના લગભગ દરેક ૪૦+ વાળા માણસના ફોનમાં એક એવુ વોટ્સએપ ગ્રુપ તો હોય જ , જેના નામની પાછળ “પરિવાર” કે “Family” નામનો Suffix લાગતો હોય અને એ ગ્રુપ માં માસીઓ સિવાય કોઈ એક્ટિવ પણ ના હોય .

સાલુ !
તફલીક ક્યાં પડે ખબર ? આ લોકો માટે વોટ્સએપ ને વિકિપિડીયા માની બેઠા છે. વોટ્સએપ માં આવે એટલે સાચુ જ હોય.

સાલુ આપણા દેશના નેશનલ એન્થમને UNESCO વાળા વર્લ્ડ નુ બેસ્ટ એન્થમ ડિકલેર કરે અને સોસાયટીવાળા નુ “યંગ-ઓલ્ડ ગ્રુપ” પપ્પા જોડે પાર્ટી માંગે. ને પાછા મારા દેશભક્ત પપ્પા પાર્ટી આપે ય ખરા !

 

અને આ લોકો ના DP મુડ પ્રમાણે નહી, occasion અને વોટ્સએપ ફોરવર્ડ પ્રમાણે બદલાય. ૨૬ જાન્યુઆરી વખતે ઝંડા વાળુ DP રાખવાનો મેસેજ આવે ત્યારે એ બદલવા જાય ને ત્યારે ખબર પડે કે પાર્ટી એ ૧૫ ઓગસ્ટ વખતે જે ઝંડો લગાયો તો હજુ એ જ ફરકે છે !!

દર્શવાણી : સંસ્થાના એક સર્વે પ્રમાણે હજુ સુધી કોઈ “નોર્મલ આધેડ વ્યક્તિ” એ એનુ વોટ્સએપ સ્ટેટ્સ ચેન્જ નથી કર્યુ !