હાસ્ય-વ્યંગ

રાખી-બ્રધર્સ – દશલો

rakhi

જાહેર નોંધ: મજાક ને મજાક તરીકે લેવી.

ન્યુટન ના ત્રીજા નિયમ પ્રમાણે ભારતભરમાં જેમ નવયુવાનો વેલેન્ટાઈન ડે ની કાગડોળે રાહ જોતા હોય છે એમજ, ભારતભરની નવયુવતીઓ એકસરખી માત્રામાં રક્ષાબંધનની કોયલડોળે રાહ જોતી હોય છે. બંને વસ્તુઓમાં કોન્સેપ્ટ સરખો છે કે હાથ ઉપર કંઈક બાંધીને એકાદ સંબંધ સ્થાપવાનો ! પણ બંને બાજુ સંબંધ જુદો-જુદો.

જે તહેવારમાં પુરુષ નારિયેળની જેમ વધેરાઈ જવાનો છે એવી નારિયેળી પૂનમ AKA રક્ષાબંધન આવી રહી છે અને સ્વાભાવિક છે કે આ આખા દેશની સ્ત્રીઓ નો મનગમતો તહેવાર છે. ભારતીય સ્ત્રી, જે 20 રૂપિયાના શાક સાથે 2 રૂપિયાના કોથમીર-મરચા ફ્રીમાં મળતા ગેલમાં આવી જતી હોય, એ સ્ત્રીને ૨૦-૨૫ ની રાખડી સામે 200-300 ની ગિફ્ટ મળતી હોય તો પછી રક્ષાબંધન એમનો મનગમતો તહેવાર બને જ ને !

રક્ષાબંધન ભાઈ-બહેન ના સંબંધો અને ભાવનાઓ નો તહેવાર છે એટલે આમ તો એમાં બહુ કંઈ બોલાય નઈ પણ મુદ્દો અહીં આ તહેવારમાં પરાણે ઘૂસતા લોકોનો છે. અને એમાં ય મોટા ભાગની તો છોકરીઓ જ. બાકી સંસ્થાએ હજુ સુધી કોઈ છોકરાને સામેથી કોઈ છોકરીને “દીદીઝોન્ડ” કરવાના કિસ્સાઓ જોયા નથી. પણ આ છોકરીઓને આનો બહુ શોખ.

ચલો માન્યુ કે તમારે કોઈ ભાઈ ના હોય અને બાજુવાળીને હોય તો દેખાદેખીમાં તમે એકાદ બહારથી ભાઈ લાવી દો, એનો વાંધો નથી. પણ આ તો ઘરમાં પહેલેથી બે સગ્ગા અને ત્રણ-ચાર કઝિન બ્રધરો પડ્યા હોય તો ય બહારથી છૂટક બે-ત્રણ રાખી બ્રધરો બનાવી લાવશે. આવા તો શું શોખ ! અને આ શોખ પળાવવામાં સૌથી મોટો ફાળો છે આપણી એજ્યુકેશન સિસ્ટમનો !

છોકરો કદાચ એકવાર ભર્યા તળાવમાંથી કોરો નીકળી શકે, પણ બિચારો બાળક આપણી એજ્યુકેશન સિસ્ટમ માંથી ભઈ બન્યા વગર તો ના એ નીકળી શકે. એ સામુહિક રક્ષાબંધન થી જ આ છોકરીઓમાં ભઈ બનાવવાના શોખનું બીજ રોપાઈ ગયુ હોય છે.

આ સામુહિક રક્ષાબંધન પણ પાછુ સંભાવનાઓથી ભરપૂર ! એક લાઈન છોકરાઓની અને એક લાઇન છોકરીઓની. જેના નસીબમાં જે આવ્યુ એ ખરુ. એ વાત આખી અલગ છે કે દરેક શાળાઓમાં આવી રક્ષાબંધન એટલીજ Seriously લેવામાં આવે છે જેટલી Seriously પ્રતિજ્ઞાપત્રમાં આવતી પેલી “બધા ભારતીયો મારા ભાઈ-બહેન છે” વાળી લાઈન ને લેવામાં આવે છે !

દર્શવાણી : જેમ રક્ષાબંધનમાં આમ રાખી-બ્રધર્સ બનાવી શકાય છે એમ વેલેન્ટાઇન ડે માં વેલેન્ટાઈન-ગર્લફ્રેન્ડ બનાવી શકાતી હોત તો….

About the author

Darshil Chauhan

4 Comments

Click here to post a comment